સિદ્ધાન્ત રહસ્યમ્ – ષોડશ ગ્રંથ

શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી રચિત ષોડશ ગ્રંથ પૈકી એક ગ્રંથ સિદ્ધાન્ત રહસ્યમ્ ગ્રંથ.

સિદ્ધાન્ત રહસ્યમ્ ગ્રંથ સાથે જોડાયેલ વાર્તા પ્રસંગ :  

વીં. સં. ૧૫૪૯ માં જ્યારે શ્રી ભગવદ આજ્ઞા થી જીવો ના ઉદ્ધાર હેતુ શ્રી મહાપ્રભુજી ભારત પરિક્રમા કરવા પધાર્યા ત્યારે આપશ્રી ઠકરાની ઘાટ પર ચિંતામગ્ન થઈ વિરાજમાન હતા, કે આ કલિયુગ ના જીવો દોષો થી ભરેલા છે અને પ્રભુ તો કોમળ છે કેવી રીતે આ જીવો નો ઉદ્ધાર કરવો.

ત્યારે સાક્ષાત પ્રભુ શ્રી ગોકુળચંદ્રમાજી સ્વરૂપે પ્રકટ થયા અને આજ્ઞા કરી “હે વલ્લભ આપ જીવો ને બ્રમ્હસંબંધ ની દીક્ષા આપી ને શરણ માં લ્યો. એક વાર બ્રમ્હસંબંધ થશે પછી કદાચિત આપ જીવ ને છોડી શકો પણ હું ક્યારેય એનો હાથ નહીં છોડું.” અને પ્રભુ અંતર ધ્યાન થઇ ગયા.

ત્યારે શ્રી મહાપ્રભુજી ની થોડે જ દૂર શ્રી દામોદરદાસ હરસાનીજી જાગતા સૂતેલા હતા. એમને શ્રી ઠાકોરજી અને શ્રી વલ્લભ વચ્ચે નો અલૌકિક સંવાદ સાંભળ્યો હતો. ત્યારે શ્રી મહાપ્રભુજી એ દમલાજી ને જગાડ્યા અને પૂછ્યું “દમલા, કછુ સુનીઓ…?” ત્યારે દમલાજી કહે છે “સુનીઓ તો સહી પર સમજ્યો નહીં”.

ત્યારે શ્રી મહાપ્રભુજીએ એમને શ્રી યમુનાજી માં સ્નાન કરી આવવા ની આજ્ઞા કરી. તદ પશ્ચાત શ્રી મહાપ્રભુજી એ આપના સેવ્ય શ્રી મુકુંદ્રાયજી સન્મુખ સર્વ પ્રથમ વાર શ્રી દમલાજી ને બ્રમ્હ સંબંધ ની દીક્ષા આપી. શ્રી દમલાજી સર્વ પ્રથમ વૈષ્ણવ બન્યા.

ત્યારે શ્રી મહાપ્રભુજી એ પુષ્ટિમાર્ગનું રહસ્ય , પ્રભુ ની વાણી નું રહસ્ય, પુષ્ટિમાર્ગ ના સિદ્ધાંતો નું રહસ્ય…….“શ્રી સિધ્ધાંત રહસ્ય” ગ્રંથ ની રચના કરી ને દમલાજી ને સમજાવ્યું. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે જે સાક્ષાત પ્રભુ એ જે આજ્ઞા કરી છે એ અક્ષરસહ(અક્ષરે -અક્ષર) હું આ ગ્રંથ માં લખું છું.

જેમાં આપશ્રી સમજાવે છે કે બ્રમ્હસંબંધ લીધા પછી જીવ ના બધાજ દોષો નું નિવારણ થઇ જાય છે અને પ્રભુ ના શ્રી ચરણો માં જવા લાયક બને છે.

સિદ્ધાન્ત રહસ્યમ્

શ્રાવણસ્યામલે પક્ષે, એકાદશ્યાં મહાનિશિ |
સાક્ષાદ્ ભગવતા પ્રોક્તં, તદક્ષરશ ઉચ્યતે ॥૧॥

અર્થ: શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની મહાનિશા(મહા રાત્રિ) માં સાક્ષાત્ ભગવાને જે કહ્યું હતું, તે જ અક્ષરે અક્ષર કહીશ.  

બ્રહ્મસંબંધ કરણાત્, સર્વેષાં દેહજીવયોઃ |
સર્વ દોષનિવૃત્તિહિૅ, દોષાઃ પંચવિદ્યાઃ સ્મૃતાઃ. ॥૨॥

અર્થ: બ્રહ્મસંબંધ કરાવવાથી દેહ અને જીવના સર્વ દોષોની નિવૃત્તિ થાય છે,એ નિશ્ચિત છે. દોષો પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે. 

સહજા દેશકાલોત્થા, લોકવેદનિરૂપિતાઃ |
સંયોગજાઃ સ્પર્શજાશ્વ, ન મન્તવ્યાઃ કથંચન ||૩||

અર્થ: સહજ દોષ, દેશ અને કાળથી ઉત્પન્ન થયેલા દોષ, લોકમાં અને વેદમાં નિરૂપણ કરેલા એવા દોષ,  સંયોગથી ઉત્પન્ન થયેલા દોષ તથા સ્પર્શથી ઉત્પન્ન થયેલા દોષ—આ પાંચેય દોષોનો પછી કોઈ વિચાર કરવો નહીં, ભક્તિમાર્ગ માં આવ્યા પછી આ દોષ  કોઈપણ રીતે માનવા જોઈએ નહિ. 

અન્યથા સર્વ દોષાણાં, ન નિવૃત્તિઃ કથંચન |
અસમર્પિત વસ્તુનાં, તસ્માદ્ વર્જનમાચરેત્ ॥૪॥

અર્થ: બ્રહ્મસંબંધ કર્યા વિના અન્ય પ્રકારથી સર્વ દોષોની કોઈપણ રીતે નિવૃત્તિ થતી નથી.  તેથી અસમર્પિત વસ્તુઓનો, પ્રભુને સમર્પણ ન કરેલી વસ્તુઓનો ત્યાગ કરવો. 

નિવેદિભિઃ સમપ્યૈૅવ , સર્વ કુર્યાદિતિ સ્થિતિઃ |
ન મતં દેવ દેવસ્ય, સામિભુક્ત સમર્પણમ્ ||૫||

અર્થ: જે ભક્તોએ પોતાની આત્માનું ભગવાનને નિવેદન કરેલું છે, તેઓએ સર્વ પદાર્થ ભગવાનને અર્પણ કારીનેજ તે વડે પોતાનો નિરવાહ ચલાવવો જોઈએ એવી આ ભક્તિમાર્ગ ની સ્થિતિ(મર્યાદા) છે. દેવોના દેવ ભગવાન શ્રીકૃષ્ણને અર્ધ ભોગવેલી વસ્તુનું કરવું નહીં. 

તસ્માદાદૌ સર્વકાર્યે, સર્વવસ્તુસમર્પણમ્ |

અર્થ: તેથી આરંભમાં જ સર્વ કાર્યમાં સર્વ વસ્તુનું પ્રભુ ને સમર્પણ કરવું. ||

દત્તાપહારવચનં, તથા ચ સકલં હરે: ||૬||
ન ગ્રાહ્યમિતિ વાકયં હિ, ભિન્નમાર્ગ પરંમતમ્ |

અર્થ: દીધેલું (દાન કરેલું)  પાછું ના લેવાય, એવું શાસ્ત્ર માં કહેલુ છે.એ પ્રમાણે હરિનું બધુ ગ્રહણ થાય નહીં, એ પ્રમાણેનું વાક્ય ગ્રહણ કરવું નહીં. કારણકે તે દાન પ્રત્યેનું વચન ભિન્નમાર્ગ વાળા માટે માનેલું છે. ભક્તિમાર્ગ માટે નથી.   

સેવકાનાં યથા લોકે, વ્યવહારઃ પ્રસિધ્ધતિ ||૭||
તથા કાર્યસમપ્યૈૅવ, સર્વેષાં બ્રહ્મતા તતઃ |

અર્થ: જે પ્રમાણે લોક માં સેવક નો વ્યવહાર માન્ય ગણાય છે, તે પ્રમાણે પ્રભુને અર્પણ કરીને બધા કાર્યો કરવા, જેથી સર્વ કાર્યોને પણ બ્રમ્હપણું પ્રાપ્ત થાય છે. 

ગંગાત્વં સર્વદોષાણાં, ગુણદોષાદિવર્ણના ||૮||
ગંગાત્વેન નિરૂપ્યા સ્યાત્ – તદ્વદત્રાપિ ચૈવહિ ||૮, ૧/૨ ||

અર્થ: ગંગાજીમાં મળેલ અશુદ્ધ જલ આદિના દોષો ગંગાજીરૂપ થઈ જાય છે અને જલના ગુણદોષનું વર્ણન ગંગાજીના રૂપથી જ થાય છે. તે જ રીતે બ્રહ્મસંબંધ થતાં જીવના ગુણદોષનું વર્ણન રહેતું નથી, પરંતુ તેની બ્રહ્મતા એટલે નિર્દોષપણું તેમજ સમત્વ સિદ્ધ થાય છે.  

|| ઈતિ શ્રીમદ્ વલ્લભાચાર્ય વિરચિતં સિદ્ધાન્ત રહસ્ય સંપૂર્ણમ્ ||

Like 5