શ્રી ગૂસાઈજી પ્રાકટયોત્સવ – જલેબી ઉત્સવ
પુષ્ટિમાર્ગ શ્રી ગૂસાઈજી પ્રાકટયોત્સવ સેવા ક્રમ, જલેબી ઉત્સવ વાર્તા પ્રસંગ, ગૂસાઈજી ની વધાઈ ના કીર્તન, વિઠ્ઠલનાથજી પ્રાગટ્ય ઉત્સવ વધાઈ કે પદ, ગૂસાઈજી જીવન ચરિત્ર પરિચય દર્શન, શ્રીનાથજી દર્શન
તિથી : માગસર વદ નૌમ

સમગ્ર પુષ્ટિ સૃષ્ટિ માટે આજનો ઉત્સવ અતિ વિશેષ છે. આજે શ્રી વલ્લભાચાર્યજી ના દ્વિતીય લાલન – શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુચરણ નું પ્રાગટ્ય થયું છે. શ્રી મહાપ્રભુજી એ પુષ્ટિમાર્ગ ના ચિત્ર ની રચના કરી અને ગૂસાઈજી એ એ ચિત્ર માં રંગ પૂર્યા છે.
શ્રીનાથજી ની સેવા ક્રમ માં અદ્વિતીય વિસ્તાર, પ્રભુ સુખાર્થ ઋતુ એવં ઉત્સવ અનુસાર રાગ-ભોગ-શૃંગાર ની સેવા પ્રણાલિકા નું સ્થાપન કર્યું. ગૂસાઈજી એ અનેક જીવોને શરણે લીધા છે.
આપશ્રી ના મહાન જીવન ચરિત્ર ના દર્શન નીચે દર્શાવેલ ઈ-બૂક માં છે.
આ ઈ-બૂક ગધ્ય સાહિત્ય માં પણ ઉપલબ્ધ છે.
શ્રી ગૂસાઈજી ની વધાઈ ના પદ – કીર્તન નીચે દર્શાવેલ ઈ-બૂક માં પ્રાપ્ય છે.
આ ઈ-બૂક પધ્ય સાહિત્ય માં પણ ઉપલબ્ધ છે.
જલેબી ઉત્સવ શું છે ? :

એક સમયની વાત છે પોષ કૃષ્ણ અષ્ટમી જેને મોટી આઠમ પણ કહેવામાં આવે છે. ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ ગોકુળમાં વિરાજી રહ્યા હતા. શ્રી ગિરિરાજ જી પર શ્રી રામદાસ જી શ્રીજીની શ્રીંગાર સેવા કરી રહ્યા હતા. અને શ્રી કુંભનદાસજી કીર્તન ગાઈ રહ્યા હતા.
ત્યારે આપણા લાડલા શ્રીજી બાવાએ બન્નેને સંબોધિત કરીને આજ્ઞા આપી “રામદાસ જી, કુંભનદાસજી તમે જાણો છો કે કાકાજી (શ્રીજી શ્રી ગુસાઈજીને કાકા જી નામે બોલાવે છે) મારો પ્રાકટ્ય ઉત્સવ કેટલી ધૂમધામ સાથે મનાવે છે અને કાલે કાકાજીનો જન્મદિવસ છે એમનો ઉત્સવ હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવવા માંગીએ છીએ તેથી કોઈ સુંદર સી સામગ્રી સિદ્ધ કરી કે અમને ધરાવો.”
ત્યારે રામદાસ જી અને કુંભનદાસજીએ પુછ્યું ” આપ કઈ સામગ્રી આરોગવા ઈચ્છો છો ? ” ત્યારે શ્રીજીએ આજ્ઞા આપી ” અમને કાકાજીના સ્વરૂપ અનુસાર રસ રૂપ જલેબી ધરો” ત્યારે બન્નેએ કહ્યું ” જો આજ્ઞા ” પછી બધા વૈષ્ણવોને એકત્રિત કરીને શ્રીજીના મનોરથ થી અવગત કરાવ્યું.
ત્યારે ત્યાં ઉપસ્થિત શ્રી સદુપાંડેએ કહ્યું કે સામગ્રી સિદ્ધ કરવા માટે જે સામગ્રી મેંદા વગેરે અમે પધરાવીશું. કુંભનદાસજીએ પોતાના બે પાડા અને બે પાડી વેચીને 5 રૂપિયા રામદાસજીને સામગ્રી માટે આપ્યા. રામદાસ જીએ તે પૈસાથી ખાંડ (શક્કર) પધરાવી.
પછી બધા વૈષ્ણવોએ મળીને રાત્રે ગિરિરાજજી પર પૂરી રાત મળીને ટોકરીઓ ભરી ભરીને જલેબીની સામગ્રી સિદ્ધ કરી. પછી સવારે શ્રીજીની સેવામાં જલેબીની સામગ્રી ધરાવી. પછી ત્યાં શ્રીગુસાઈજી પધાર્યા.
અને રાજભોગમાં શ્રીજીની સેવામાં ઘણી જ જલેબી જોઈને રામદાસજીને પુછ્યું કે “આજે આટલી ઘણી જલેબી ધરવાનું કોઈ વિશેષ કારણ?” પછી રામદાસજીએ શ્રી ગુસાઈજીને પ્રાકટ્ય ઉત્સવની બધાઈ આપી અને શ્રીજીના મનોરથ વિશે માહિતી આપી.
પછી બધા વૈષ્ણવોએ આપશ્રીને ખૂબ ખૂબ મંગલ બધાઈ આપી. શ્રી ગુસાઈજી અને શ્રીજી બાવા ખૂબ પ્રસન્ન થયા. પછીથી શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય ઉત્સવને દર વર્ષે “જલેબી ઉત્સવ” તરીકે ઉજવવામાં આવે છે.”



