જય જય મહારાણી જમુના
જય જય મહારાણી જમુના, જય જય પટરાણી જમુના,
સુંદર સતવાદી નાર તપ કરી પ્રભુને આરાધિયા,પ્રીતે પરણ્યા મોરાર… જય જય
સૂરજ દેવતાની દીકરી, વેદ પુરાણે વખાણી,
ભાઈને વહાલી રે બહેનડી, પસલી આપી છે સાર… જય જય
રૂપે રૂડાં જળ શામળાં, વેગે ચાલે ગંભીર,
તીરે તો-રંગ ઓપતાં, વ્રજ વધ્યો વિસ્તાર… જય જય
ચરણા ચોળીને ચૂંદડી, ઉર પર લટકંતા હાર,
કંકણ કુંડળને ટીલડીને સજ્યા માએ સોળેશણગાર… જય જય
વૃંદાવન વીંટાઈ રહ્યું, મથુરા જળ સ્થળ આધાર,
ગોકુળ મહાવન પાસે વસ્યો, વહાલો મારો નંદકુમાર… જય જય
જળ જમુનાનાં ઝીલતાં તુટ્યાં નવસર હાર,
મોતી સર્વે વેરાઈ ગયાં, હીરલો લાગ્યો છે હાથ… જય જય
રામઘાટ, શ્યામઘાટ, ઠકરાણીઘાટ બીજા ઘાટ અપાર,
અજાણે અધર્મી નાહી ગયો, તેનો માએ કર્યો ઉદ્ધાર… જય જય
અઠ્ઠાવીસ કુંડ ઉજ્જડ થયા, ભાઈનો ભાંગ્યો ભણકાર,
પરાક્રમે ગેલ ચલાવીયાં, વ્રજમાં કીધો વિસ્તાર.. જય જય
નાહી, ગાય, પયપાન જે કરે, તેને જમનો નહિ ભયકાર,
કર જોડી કહે ‘હરિદાસ’, નહાજો વારંવાર… જય જય